Ashaval
ગુજરાતનાં દરેક ગામ અને નગરોની ધૂળમાં કાન માંડીએ તો તેની રોમાંચક કથા જાણવા મળે. કેટલાકનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, પણ ઘણું બધું હજુ અતીતના અંધારમાં પડ્યું છે. હમણાં એક વિવાદ એવો શરૂ થયો છે કે અમદાવાદનું નામ એનું એ રાખવું જોઈએ કે પછી તેના પુરાતન નામ કર્ણાવતીને ફરીવાર અપનાવવું જોઈએ. આમાં ‘નામમાં તે શું વળી’ એવી શેક્સપીયરની ઉક્તિ ઉપયોગમાં લેવાય તે પછી પણ સવાલ તો ઊભો રહે જ કે પ્રજાજનો અને તેની પરંપરાનું મહત્ત્વ તે સ્થાનોનાં નામ સાથે જોડાયેલું છે. મેઘાણીને કોઈ વિવેચકે એવું કહ્યું હતું કે આ તમે ભૂતકાળનાં લોકોને, જે ક્યારનાં મૃત્યુ પામ્યાં છે, તેમને યાદ શા માટે કરો છો? મેઘાણી પાસે સરસ જવાબ હતો: ‘…પણ હું શા માટે કાળગર્તમાં ક્યારના ગારદ થઈ ગયેલાંઓનું આ ગાન પુન: પુન: ગાયા કરું છુ? મારી પાસે જવાબ નથી. એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં, મર્યાં હોય તોય મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યાં જ કરે છે. કોઈ પણ યુગ અન્ય યુગને નરી વર્તમાન વિચારણાની તુલનાએ તોળી ના શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય ઉદાર અને સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. યુગ એટલા વેગથી ધસે છે કે ગઇકાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદના દરિયા ખોદાય છે. એટલે વેગીલી મનોદશા સામે તો ભૂતકાળ-વર્તમાનનો કલ્યાણ યોગ સંભવતો જ નથી, પણ આવાં ઇતિહાસ પ્રકરણોથી તેજસ્વી વર્તમાનને સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી જશે.’ અમદાવાદ અને તેના પૂર્વ ઇતિહાસનાં થોડાંક પાનાં જાણવા ભારે રસપ્રદ રહેશે. ગુજરાતની રાજધાની ગણાયેલા અમદાવાદ વિષે શ્રુતિ ગ્રંથો કહે છે કે પ્રાચીન યુગમાં દૂધેશ્વર નજીક દધ્યાચલ આશ્રમ હતો. વૃત્રાસુરના ત્રાસથી મુક્ત થવા તેમના અસ્થિઓનું વજ્ર બન્યું અને રાક્ષસોનો સંહાર થયો. તેનાથી થોડેક દૂર ગાંધીજીનો સાબરમતી આશ્રમ જે આધુનિક અમદાવાદનું ઘરેણું છે. દધિચીથી ગાંધી... કેટલા, કેવા પડાવ પસાર કર્યા છે આ મહાનગરે? લગભગ પાંચ લાખ વર્ષો પહેલાંની પ્રાગ-ઇતિહાસની વસ્તીના શ્વાસ વહેતા, પછી છેલ્લો અશ્મ યુગ શરૂ થયો. મનુષ્ય બનવાની પ્રક્રિયા! વૈદિક યુગમાં અહીં શ્વાભ્રમતી નદી અને વેદ વંદનાનો ગુંજારવ. વિદ્યાકીય આશ્રમો અને વંદના-તીર્થો. સભ્યતા અને સંસ્કૃતિનાં વસ્ત્રો બદલાતાં રહ્યાં. પ્રબંધ ચિંતામણિ પ્રાચીન ગ્રંથમાં નોંધાયું છે કે અહીં આશાપલ્લી નગર હતું. ભીલ રાજા આશા રાજ કરતો. પછી રાજવી કર્ણદેવને આ સ્થાન ગમ્યું એટલે 1064થી 1094, ત્રીસ વર્ષ સુધી અહીં શાસન કર્યું અને આશાપલ્લીની જોડાજોડ કર્ણાવતી સ્થાપિત થયું. હાલનું કાંકરીયા તે તળાવ પ્રિય કર્ણદેવનું કર્ણસાગર. કાલુપુર સ્ટેશનથી થોડેક દૂર જાઓ એટલે હાલનું કર્ણમુકતેશ્વર મહાદેવનું દેવાલય આવે છે, તે જ કર્ણનું કર્ણેશ્વર. માતા જયંતીદેવીની સ્થાપના, કોછરબાદેવીનો મહાપ્રસાદ… આ સ્થાનો પ્રજાકીય અભિલાષાઓની પૂર્તિ સાથે કર્ણદેવે રચ્યાં. અહીં સાહિત્યનો મેળો જામતો. હેમચંદ્ર આચાર્ય ભલે પાટણમાં રાજદરબારમાં સ્થાપિત હતા, કર્ણાવતીના પણ પ્રિય આચાર્ય હતા. પુરાતત્ત્વ વિભાગ જો નિશ્ચય કરે તો આ નગરના પેટાળમાં તે સમયના શિલ્પોનો ભંડાર પ્રાપ્ત થાય. ઈસવીસન 1094ની એક સવારે કર્ણાવતી નગર સ્થાપિત થયું હતું, તેની અનુભૂતિ કરવા માટે છેક કાશ્મીરથી કવિરાજ બિલ્હાણ આવ્યા હતા. બીજા ઘણા વિદ્વાનો અહીં સ્થાયી પણ થયા. પછી સ્થપાયું અહમદાબાદ. 17 એપ્રિલ, 1412. ચાર નેકદિલ અહમદોની હાજરીમાં. (એક સુલતાન અહમદ પોતે, બીજો શેખ અહમદ ખટ્ટુ, ત્રીજો કાજી અહમદ, ચોથો મલેક અહમદ). નિઝામુદ્દીન ચિશ્તી ઓલિયાના શિષ્ય બાર બાબા પણ હાજર હતા, પણ માણેકચોકમાં એક અલગારી માણેકબાબાએ પોતાની ગોદડીનું સીવણ જાળવ્યું ના હોત તો કિલ્લાના કાંગરા કડડભૂસ થયા હોત એવી રોચક કથા જોડાયેલી છે. આ નામાંતરની શરૂઆત આક્રમકોએ કરી તે પણ જાણવાજોગ છે. કર્ણસાગરને અહમદશાહે બદલાવીને ‘હૌજ-એ-કુતુબ’ કરી નાખ્યું. દિલ્હીના સુલતાનોને આ શહેર ખાસ પસંદ નહોતું. તેઓ અહમદાબાદને ગર્દાબાદ કહેતા. આપણે દરેક વિદેશી મહેમાનોને જેની ભેટ આપીએ છીએ તે સીદી સૈયદની જાળી જુઝાર ખાન શહીદના નામે સુલતાને સાગરના મધ્યે બનાવી તે મસ્જિદ છે. સરખેજનો રોજો, મૂળ શ્રીક્ષેત્ર નામ, પછી સરખેજ બની ગયું, ત્યાં છે. ભારતનું માન્ચેસ્ટર બનાવવાનું શ્રેય એક નાગર સાહસિક રણછોડલાલ રેંટિયાવાળાને જાય છે. 1861માં અહીં પહેલવેલી મિલ ઊભી થઈ તેમાં લંડનથી આપણા પારસી-ગુજરાતી દાદાભાઈ નવરોજીએ સહયોગ આપ્યો હતો. દાંડીકૂચ, 13 નવેમ્બર 1909ના મધ્યાહને લોર્ડ મિન્ટોના જુલૂસ પર બોમ્બ, સરદાર પટેલ અને માવલંકર, ઇંદુચાચા, નવજીવન અને ગાંધી વિદ્યાપીઠ, સાવરકર-સુભાષ-રવીન્દ્રનાથ-શ્યામજી કૃષ્ણ વર્મા-આંબેડકર-સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનો, કોંગ્રેસ, જનસંઘ, મુસ્લિમ લીગ, રિપબ્લિકન પાર્ટી, હિન્દુ મહાસભાનાં અધિવેશનો, રમખાણો, ભૂકંપ અને આંદોલનો, નવનિર્માણ, કટોકટી વિરોધી આંદોલન… આ બધું અમદાવાદે અનુભવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 50 જેટલાં નગરોમાં, જ્યાં ભૂતકાળમાં બ્રિટિશ કે મુઘલ સત્તાઓ હતી, તેમાં ગુલામીનો એહસાસ થતાં નગર-નામ બદલાયાં છે. અલાહાબાદ હવે પ્રયાગરાજ બની ચૂક્યું છે. દક્ષિણ ભારતમાં ઘણાં નગરો અને રાજ્યોનાં નામો બદલાયાં. રસ્તાઓ અને ગલીઓ પણ નૂતન નામ ધારણ કરી ચૂકી છે, રાણી વિક્ટોરિયા ગાર્ડન અમદાવાદમા હવે આ નામે ઓળખાતો નથી. રીચી રોડ અને રિલીફ રોડ તેમજ એલિસબ્રીજ પણ નામાંતર પામ્યા છે. ગુજરાત કોલેજનો જાણીતો જ્યોર્જ ફિફ્થ હૉલ હવે તે નામથી દૂર થઈ ગયો. એક દલીલ એવી થાય છે કે નામો બદલવાથી શું થાય? જવાબ એવો પણ છે કે સમાજની અસ્મિતામાં ગુલામીની માનસિકતા દૂર કરવાનો આ ઉપાય દુનિયા આખી અપનાવે છે.
Comments
Post a Comment